Pages

Pages - Menu

કચ્છની નિશાળોની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમનું ચલકચલાણું : પહેલાં 16 હવે 10મીથી !

કચ્છની નિશાળોની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમનું ચલકચલાણું : પહેલાં 16 હવે 10મીથી !
ભુજ : સમગ્ર રાજ્યની પ્રાથમિક નિશાળોમાં વાર્ષિક પરીક્ષાઓ તા. 8 અને 9 એપ્રિલના શરૂ થવાની છે જ્યારે કચ્છમાં 16મી તારીખ મુકરર કરાઇ હતી, જેમાં પેપર છાપનાર પ્રેસ સાથે ગોઠવણના આક્ષેપો ઊઠયા પછી માત્ર કચ્છમાં જ મોડી પરીક્ષાના મુદ્દે શિક્ષકોના ગણગણાટના અંતે તંત્રે છેલ્લા 24 કલાકમાં ફેરનિર્ણય લઇને હવે 10મી એપ્રિલથી પરીક્ષા લેવાનું ઠરાવતાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે. જોકે, આ અંગે સંપર્ક સાધતાં પ્રાથમિક શિક્ષણ તંત્રએ 10મી એપ્રિલથી જ પરીક્ષા શરૂ કરાશે, તેવી સ્પષ્ટતા કરી હતી. શિક્ષકોમાં ઊઠેલી ચર્ચા અનુસાર જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય સચિવની રૂએ પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ વ્યવસ્થા કરવાની રહે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની જવાબદારી પેપર કાઢી આપવાની રહે છે જે સમયસર પૂરી કરાયા પછી છપાઇની પ્રક્રિયાનું કામ આપવાનું હોય છે. નિયમ મુજબ ત્રણ પ્રેસના ભાવપત્રક લઇ સમિતિની હાજરીમાં સૌથી ઓછા ભાવ આપનારને શરતોને આધીન કામ સોંપવાનું રહે છે. આ કામ રાબેતા મુજબ ભુજની એક ખાસ પ્રેસમાં `ગોઠવણ' કરાયા પછી વિલંબની સ્થિતિ સામે આવતાં સંબંધિત ઠેકેદારે રાજ્ય સાથેની તારીખે પેપર છાપી આપવાની ના કહી છતાં તેને જ કામ સોંપવામાં આવ્યું. જિલ્લાના સવા બે લાખ પ્રાથમિક વિદ્યાર્થીઓના છથી સાત વિષય લેખે 14 લાખ પેપર છપાવવાનો આ મલાઇદાર ઓર્ડરમાં ચર્ચા ઊઠે છે. દર વખતે કચેરીના અમુક `ચાવીરૂપ' ઘરોબો કેળવતા હોવાનું ખુલ્લેઆમ કહેવાય છે. શિક્ષકોએ કહ્યું હતું કે, કચ્છની પરીક્ષાનો તા.16થી 24 વચ્ચેનો કાર્યક્રમ વોટસએપ પર ફરતો થયા પછી ગણગણાટ ઊઠયો હતો કારણ કે પાછળથી અખાત્રીજ અને લગ્નગાળો હોવાથી વાલીઓને આ સમય પરવડે તેમ નહોતો. આ કાર્યક્રમ વિશે પૂછપરછ વધતાં અંતે તંત્રે પરીક્ષા આગળ લીધી હોવાનું જાણવા મળે છે. દરમ્યાન આ ફરિયાદો સંદર્ભે પૂછતાં જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીએ પ્રસ સાથેની ગોઠવણના આક્ષેપનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે, 10મી એપ્રિલથી જ પરીક્ષા શરૂ કરી દેવાશે. દરેક જિલ્લાનું શિક્ષણ તંત્ર તેની પરીક્ષાની તા રીખ નક્કી કરવાના અધિકાર ધરાવે છે.