અમદાવાદ: સફળતાના
શિખરો સર કરવા માટે અંગ્રેજી માધ્યમની મોંઘીદાટ સ્કૂલોમાં ભણતર જરૂરી છે
એવું માનતા લોકોએ ડૉ.વિક્રાંત પાંડેની પરિશ્રમગાથા જાણવા જેવી છે. હાલ ભરૂચ
જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ નિભાવતા ડૉ.પાંડેએ સરકારી સ્કૂલમાં અને એ પણ
માતૃભાષાના માધ્યમમાં ભણીને સફળતાના શિખરો સર કર્યા છે. રાજસ્થાનના ઝાલાવાડ
જિલ્લાના ઉન્હેલ નામના નાનકડા ગામના વતની ડૉ.પાંડેના પિતા લેક્ચરર છે.
- સરકારી સ્કૂલનો વિદ્યાર્થી ડોક્ટર અને IAS બન્યો
- હાલ ભરૂચ જિલ્લાના કલેક્ટર એવા ડો.વિક્રાંત પાંડેની કારકિર્દી શિક્ષણને લગતાં અનેક મિથકોને ભાંગનારી છે
સરકારી સ્કૂલમાં 12 સુધી ભણ્યા પછી તેઓ પિતાની ઈચ્છા પૂરી કરવા માટે સખત મહેનત કરીને માત્ર 17 વર્ષની ઉંમરે આરએમપીટીમાં સિલેક્ટ થયા હતા અને ચાર ગોલ્ડમેડલ સાથે એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. જો કે મોટાપાયે લોકોની સેવા કરવાની ખેવનાને કારણે તેમણે સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી અને 2005માં પહેલી જ ટ્રાયલમાં તેઓ (જ્યોગ્રાફી અને સંસ્કૃત વિષય સાથે) આઇએએસ તરીકે સિલેક્ટ થયા હતા.
ગુજરાત કૅડર મળ્યા બાદ 2007માં તેમની પ્રથમ પોસ્ટીંગ પાલિતાણામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે થઈ હતી, તેમણે દાહોદમાં ડીડીઓ તરીકે નામના મેળવી હતી. 2015માં તેમને શ્રેષ્ઠ કલેક્ટર (વલસાડ જિલ્લો) તરીકે સન્માન મળ્યું હતું. 2014માં લોકસભાની ચૂંટણીમાં અસામાન્ય કામગીરી બદલ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
.