મતદારોને સ્‍માર્ટ કાર્ડ જેવું પ્‍લાસ્‍ટિકનું વોટર આઇડી કાર્ડ મળશે

ભવિષ્‍યમાં વોટર આઇડી કાર્ડ સ્‍માર્ટ કાર્ડમાં તબદીલ થશેઃ નવા મતદારોને જાન્‍યુઆરીથી પ્‍લાસ્‍ટિકનું આઇડી કાર્ડ ઇશ્‍યૂ કરાશે : જૂના મતદારે પ્‍લાસ્‍ટિક કાર્ડ માટે રૂ. ૩૦ ચૂકવવા પડશે
  
ᅠઅમદાવાદ સહિત રાજયના નવા નોંધાનારા મતદારોને હવે પ્‍લાસ્‍ટિકના સ્‍માર્ટકાર્ડ જેવા હવે વોટર આઈડી કાર્ડ મળશે. જયારે જે મતદારો પાસે વોટર આઈડી કાર્ડ છે તેમણે પ્‍લાસ્‍ટિકનું કાર્ડ મેળવવા માટે રૂ. ૩૦ ચૂકવવા પડશે. જાન્‍યુઆરી મહિનાથી મતદારોને પ્‍લાસ્‍ટિક કાર્ડ આપવાની શરૂઆત કરાશે.
   
જયારે ૧૮ વર્ષ પૂરાં કરી ચૂક્‍યા હોય અને મતદાર યાદીમાં પહેલી વાર મતદાર તરીકે એન્‍ટ્રી લઈ રહેલા નવા મતદાતાઓને નવું સ્‍માર્ટકાર્ડ જેવું દેખાતું ચૂંટણી પ્‍લાસ્‍ટિક કાર્ડ મળશે. આ અંગે ગુજરાતનાં મુખ્‍ય ચૂંટણી અધિકારી અનીતા કરવલે જણાવ્‍યું કે, ‘૨૫ જાન્‍યુઆરી પછી આ કાર્ડ ઇશ્‍યૂ કરવાના શરૂ થશે, જે નવા મતદાતા માટે નિઃશુલ્‍ક હશે.'
   
સ્‍માર્ટકાર્ડ જેવા દેખાતા આ પ્‍લાસ્‍ટિક કાર્ડની ઉપયોગીતા એ રહેશે કે અન્‍ય ક્રેડિટકાર્ડ કે પાનકાર્ડ જેવી તેની સાઇઝ હોવાને કારણે એકસરખા માપને કારણે અન્‍ય કાર્ડની સાથે તેને સાચવવું સરળ બનશે એટલું જ નહીં, અત્‍યાર સુધી ચૂંટણી કાર્ડ લેમિનેટ કરાવવું પડતું હતું તેની પણ હવે જરૂર પડશે નહીં.
   
સ્‍માર્ટકાર્ડ અને પ્‍લાસ્‍ટિક કાર્ડ વચ્‍ચે એક નાનકડી ચિપ્‍સને બાદ કરતાં સરખાપણું રહેલું છે.
સ્‍માર્ટકાર્ડમાં એક ચિપ્‍સ હોય છે, જેમાં તમામ વિગતો સ્‍ટોર કરવામાં આવે છે, જેથી ચિપ્‍સમાં રહેલી લિન્‍ક મુજબ માહિતી મેળવી શકાય. જયારે હાલમાં મળનારું પ્‍લાસ્‍ટિક કાર્ડ તેના જેવું હશે, પણ સ્‍માર્ટકાર્ડ નહીં હોય.
  
હાલમાં ઇલેક્‍શન કાર્ડની સાથે આધારકાર્ડ લિન્‍ક કરવાની કામગીરી ચાલી રહી છે, ત્‍યાર બાદ ભવિષ્‍યમાં ઇલેક્‍શન કાર્ડ પણ સ્‍માર્ટ બની શકે છે. તાજેતરમાં જ આધાર કાર્ડની પ્‍લાસ્‍ટિક કાર્ડ તરીકે ઇશ્‍યૂ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. તેમાં પણ નવું આધાર કાર્ડ કઢાવનાર વ્‍યક્‍તિને હવે પ્‍લાસ્‍ટિક કાર્ડ ઇશ્‍યૂ કરવામાં આવે છે, જયારે જૂના આધારકાર્ડ ધારકને પ્‍લાસ્‍ટિક કાર્ડ મેળવવા માટે રૂ. ૨૫ ચૂકવવાના રહે છે. આમ હવે ઇલેક્‍શન કાર્ડ પણ પ્‍લાસ્‍ટિક કાર્ડ તરીકે મળવાના શરૂ થવાથી તેને સાચવવાનું સરળ બનશે.